બંને શહેરોના શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધરાઈ તપાસ
નવસારી : નવસારી અને બીલીમોરા શહેરમાં ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસે આજે સાંજે શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોમાં 100 થી વધુ પોલીસ જવાનોએ કોમ્બિંગ કરી ગુનેગારોની સ્થિતિ જાણી, કાયદો વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો હતો.
12 અધિકારીઓ સાથે 100 થી વધુ જવાનોએ હાથ ધર્યુ કોમ્બિંગ
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓથી ગુનાખોરીની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા સતર્કતાથી કામગીરી કરવામાં આવી છે, પરંતુ જિલ્લામાં ગુનેગારોને ઊગતા જ ડામવાની નેમ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ દ્વારા નવસારી શહેર અને બીલીમોરા શહેરમાં કોમ્બિંગ ડ્રાઇવના આદેશ આપ્યા હતા. જેમાં આજે સાંજે નવસારી શહેરના દશેરા ટેકરી, રેલ રાહત કોલોની, તીઘરા નવી વસાહત જેવા શ્રમિક વિસ્તારોમાં જિલ્લા પોલીસના નાયબ અધિક્ષક એસ. કે. રાયના માર્ગદર્શનમાં નવસારી ટાઉન પોલીસના ઈન્સ્પેક્ટર અશ્વિન સરવૈયાની 7 પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ જવાનોની ટીમે હિસ્ટ્રી શીટર, લિસ્ટેડ બુટલેગર, જુગારના આરોપીઓ તેમજ અન્ય ગુનાઓના આરોપીઓના રહેઠાણ ઉપર પહોંચી, તેમની હાલની ગતિવિધિઓ સાથેની સ્થિતિ જાણી હતી. બીજી તરફ બીલીમોરા શહેરમાં હાલ પાલિકાની સામાન્ય ચુંટણી પણ હોય, શહેરના ઓડ નગર, ગાયકવાડ મીલ ચાલ, ઓરિયા મોરિયા, માછીવાડ, તીસરી ગલી, ગૌહરબાગ વગેરે શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોમાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલના માર્ગદર્શનમાં ઈન્સ્પેક્ટર કે. ડી. નકુમ સાથે ત્રણ પોલીસ અધિકારીઓ અને 47 પોલીસ જવાનોની ટીમે કોમ્બિંગ કરી ગુનેગારોને માપમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ચુંટણીને ધ્યાને રાખી શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે એ માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યુ હતુ.