4 વર્ષ અગાઉ અવસર પાર્ટી પ્લોટમાંથી સોનાના દાગીના, મોબાઈલ ભરેલ પર્સ ચોરાયું હતુ
નવસારી : નવસારી શહેરના અવસર પાર્ટી પ્લોટમાંથી 4 વર્ષ અગાઉ સોનાના દાગીના, રોકડ અને ફોન મૂકેલા પર્સની થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલવામાં નવસારી LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે પર્સમાંથી ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ચોરની ધરપકડ કરી હતી.
મોબાઈલ ચોર પકડાતા, અન્ય આરોપી પણ પકડાવાની સંભાવના
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વણ શોધાયેલ ગુનાઓને ઉકેલવાના પ્રયાસમાં હતી. દરમિયાન HC મહેન્દ્રસિંહ નારાયણસિંહ, PC નિલેશ રતિલાલ અને PC અર્જુન હર્ષદને સંયુક્ત રીતે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના અવસર પાર્ટી પ્લોટમાં ચાર વર્ષ અગાઉ થયેલી ચોરીનો મોબાઈલ વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના ભિલાડના ધોળીપાળા ખાતે રહેતો અને મૂળ રાજસ્થાની હૂકમસિંહ શેરસિંહ રાજપૂત ઉપયોગ કરે છે. જેથી પોલીસે ભીલાડ પહોંચી, હૂકમસિંહ રાજપૂતની ચોરીના 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી હૂકમસિંહને વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે. જોકે ટાઉન પોલીસની તપાસમાં હૂકમસિંહ પાસે ચોરીનો મોબાઈલ તેના સબંધી પાસેથી આવ્યો હતો, જેથી આ પ્રકરણમાં અન્ય આરોપી પણ પોલીસ પકડમાં આવે એવી સંભાવના સેવાઈ રહી છે.
4 વર્ષ અગાઉ થયેલ 8.17 લાખની ચોરીનો ભેદ ઉકેલાવાની સંભાવના
નવસારીના જૂનાથાણા નજીક આવેલ મતીયા પાટીદાર વાડી અંતર્ગત આવેલ અવસર પાર્ટી પ્લોટમાં 4 વર્ષ અગાઉ નવસારીના શાહ પરિવારની દીકરીના લગ્ન હતા. જેમાં લગ્ન પૂર્વે વડોદરાથી આવેલા વર પક્ષના લોકો સાથે સંગીત સંધ્યા ચાલી રહી હતી. જ્યાં વેવણ 8 લાખના સોનાના દાગીના, 4 હજાર રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન મુકેલ પર્સ સાથે બેઠા હતા, ત્યાંથી કોઈ અજાણ્યો ચોર સોનાના દાગીના ભરેલ પર્સ સિફત પૂર્વક સરકાવી ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો. આ ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી પોલીસ હજી સફળ થઈ ન હતી. પરંતુ નવસારી LCB પોલીસે પર્સમાં મૂકેલ ચોરીના મોબાઈલ ફોન સાથે પકડેલા હૂકમસિંહને કારણે 8.17 લાખની આ ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી ટાઉન પોલીસને મદદ મળશે એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.