નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એક ગામડામાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષીય બાળાને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. 8 મહિના અગાઉ પીડિતાના માતા પિતા સંબંધીઓના ભરોસે મોટા દીકરા અને દીકરીને મુકી ધાર્મિક યાત્રાએ ગયા હતા. લગભગ અઠવાડિયાની આ યાત્રા દરમિયાન 13 વર્ષીય પીડિતા અને તેનો ભાઈ એકલા જ ઘરે હતા. એ સમય દરમિયાન તેમના કૌટુંબિક કાકા 25 વર્ષીય બ્રિજેશ નાયકાએ 8 માં ધોરણમાં ભણતી તેની ભત્રીજીને એકલી જોઈ, તેના ઉપર દાનત બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પીડિતાએ કાકાનો બહુ વિરોધ ન કર્યો, બીજી તરફ બ્રિજેશે તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી ગભરાયેલી પીડિતાએ કોઈને પણ કંઈ કહ્યુ ન હતું. જેનો ફાયદો લઈ નરાધમ રાક્ષસ બ્રિજેશે માસુમ બાળકીને અનેક વાર જબરદસ્તીથી પીંખી હતી. જેને કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. દરમિયાન ગત 10 ફેબ્રુઆરીના રોજ બાળકીને પેટમાં દુઃખાવો ઉપડતા તેણે માતાને કહ્યું અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર બતાવવા જતા, ડોક્ટરે તપાસી 7 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા જ માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જોકે બ્રિજેશની ધમકીને કારણે પીડિતા તેના માતા પિતાને કઈ કહેવા તૈયાર ન હતી. પરંતુ તેની માતાએ તેને સાંત્વના આપી, શાંતિથી સમજાવીને પૂછ્યું ત્યારે બ્રિજેશ કાકાએ બદકામ કર્યુ હોવાનું જણાવતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. બાદમાં પીડિતાની માતાએ ખેરગામ પોલીસ મથકે દીકરીને પીંખનાર નરાધમ બ્રિજેશ નાયકા સામે ફરિયાદ આપતા જ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી હેવાન બ્રિજેશ નાયકાને દબોચી, તેની ધરપકડ કરી હતી. પોલીસી પીડિતા અને આરોપી બંનેની આરોગ્ય પરીક્ષણ કરાવીને તપાસને વેગ આપ્યો છે.