નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના ભાગળથી અમલસાડ જઈ રહેલી ST બસ આજે સવારે વાસણ ગામના એક ઘર સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં ઘરની દીવાલને નુકશાન થયુ હતું. જ્યારે બસમાં સવાર 17 માંથી 7 મુસાફરોને સામાન્ય ઈજા થવાની માહિતી મળી હતી.
બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, નવસારીના બીલીમોરા ST ડેપોની બસ આજે વહેલી સવારે ગણદેવી તાલુકાના ભાગળ ગામેથી 17 મુસાફરોને લઈને અમલસાડ આવવા નીકળી હતી. જે બસ સવારે 7:30 વાગ્યા આસપાસ વાસણ ગામેથી પસાર થતી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રસ્તાની કિનારે આવેલા હસમુખ પટેલના ઘરમાં અથડાવી દીધી હતી. ઘર સાથે અથડાતા બસની કેબીન ચગદાઈ ગઈ હતી. જ્યારે ધડાકાભેર અથડાવાને કારણે બસમાં સવાર 17 માંથી 7 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી તરફ બસ અથડાતા હસમુખ પટેલનો પરિવાર પણ ઘરની બહાર દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઘરની મુખ્ય દીવાલને નુકશાન થયુ હતું. ઘટનાની જાણ થતા બીલીમોરા ST ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ જાણી હતી. જ્યારે સમગ્ર મુદ્દે ઘર માલિક હસમુખ પટેલે બસ ચાલક સામે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, બસ અકસ્માત મુદ્દે ST વિભાગ દ્વારા પણ બસ ચાલક સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.