વ્યારાના વસીમ ફકીરે નજીવી કિંમતે ચોરીનો મોબાઈલ ખરીદ્યો હતો
નવસારી : નવસારીના બજાર વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ ચોરાયેલા મોબાઈલ ફોન સાથે નવસારી LCB પોલીસે વ્યારાના ભંગારિયાની ધરપકડ કરી હતી. ભંગારિયાએ ચોરીનો મોંઘોદાટ મોબાઈલ ફોન નજીવી કિંમતે ચોર પાસે ખરીદ્યો હતો, જેનો ઉપયોગ કરતા પોલીસના હાથે ઝડપાયો હતો.
નવસારી LCB પોલીસે ચોરી થયેલો 20 હજારનો મોબાઈલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારીના છાપરા રોડ સ્થિત કૈવલ્યાધામ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય અલય મહેતા ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. જેઓ ગત 13 જાન્યુઆરીના રોજ નવસારીના બનાટવાળા હાઇસ્કૂલ સામે આવેલ આમલેટની લારી ઉપર આમલેટ ખાવા ગયા હતા. જ્યાં મોબાઈલ લારી ઉપર મુકીને અલય હાથ ધોવા ગયા અને તેમનો 20 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન કોઈ ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અલય મહેતાએ આસપાસ ઘણી શોધખોળ કરી, પણ મોબાઈલ ફોન ન મળતા અંતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસને વેગ આપતા ચોરાયેલો મોબાઈલ વ્યારામાં મસ્જિદની પાછળ મગદુમ નગરમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા વસીમશા ફકીર પાસે હોવાનું જણાયું હતું. જેથી પોલીસે વસીમ ફકીરની ચોરીના 20 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે પકડી, ફેની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં વસીમે જણાવ્યું કે થોડા દિવસો અગાઉ એક અજાણ્યો ઈસમ મોબાઈલ લઈને આવ્યો હતો અને ફક્ત 4 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. પોલીસે આરોપી વસીમને વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસ મથકે સોંપ્યો છે.