પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નવસારીના નેશનલ હાઈવે નં. 48 પરથી રોજના લાખોના વિદેશી દારૂ હેરાફેરી થયા છે. પરંતુ તેને અટકાવવા પોલીસ પણ સતર્ક રહે છે, ત્યારે gt રાતે હાઈવે ઉપર પેટ્રોલીંગમાં નિકળેલી નવસારી LCB પોલીસે બાતમીને આધારે એંધલ ગામ પાસેથી 5.72 લાખના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં દારૂ ભરાવનાર અને સુરત મંગાવનાર બંને બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે ઘટના સ્થળેથી કુલ 15.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોનો દારૂ અન્ય જિલ્લાઓમાં પહોંચે છે, રાજસ્થાન, દમણ, મહારાષ્ટ્ર, સેલવાસ વગેરે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જિલ્લાના આંતરિક માર્ગો, હાઈવે પરથી હેરાફેરી કરવામાં બૂટલેગરો અને ખેપીયાઓ માહિર હોય છે. ત્યારે ખેપીયાઓના નેટવર્કને તોડવામાં નવસારી જિલ્લા પોલીસ પણ મથામણ કરતી રહે છે. ગત રાતે નસવારી LCB પોલીસ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલીંગમાં હતી. ત્યારે HC ગણેશ દિનુ અને PC ગોવિંદ રાજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગનો એક ટ્રક જેમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે, એ હાઇવેથી થઈ સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર ગણદેવી તાલુકાના એંધલ ગામ નજીક આવેલ ડિસેન્ટ હોટલ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી 5.72 લાખ રૂપિયાની વ્હિસ્કી બિયરની કુલ 3192 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કરંજીકા ગુડા ગામનો 45 વર્ષીય જેતરામ કન્ના મેઘવાલ અને ક્લીનર તથા રાજસ્થાનના રાજસમદ જિલ્લાના બરાવા મેડચ ગામના 49 વર્ષીય મોહનલાલ ગણેશલાલ ગમેતીની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસમાં આમલી વિસ્તારના બુટલેગર પપ્પુ માંગીલાલ મેઘવાલે ભરાવી આપ્યો હતો અને તેને સુરતના કડોદરા હાઈવે પરથી કોઈ અજાણ્યો લઈ જવાનો હતો. જેથી પોલીસે પપ્પુ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે 10 લાખ રૂપિયાની ટ્રક અને 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 15.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ગણદેવી પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.