નવસારી : નવસારીથી સુરત જતા માર્ગ પર નવસારીની ટાટા સ્કૂલ સામે આજે બપોરના સમયે એક ઈકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. કારમાં સવાર પાંચેય લોકો સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા, તમામનો આબાદ બચાવ થયો હતો. જ્યારે નજીકના પેટ્રોલ પંપ કર્મીઓએ ફાયર એક્સ્ટિંગ્યુસરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગમાં ઈકો કારમાં થયુ મોટુ નુકશાન
નવસારીમાં રહેતા રિગ્નેશ પટેલ આજે બપોરે કોઈ કામ અર્થે પોતાની સાથે અન્ય ચાર લોકોને લઈ તેમની ઈકો કારમાં પલસાણા જવા નીકળ્યા હતા. રિગ્નેશ નવસારી સુરત માર્ગ પર નવસારી શહેરના પ્રવેશદ્વાર સમા ટાટા સ્કૂલની સામે પહોંચતા જ કારમાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો હતો. જેથી સમય સૂચકતા વાપરી ચાલક રિગ્નેશ અને તેની સાથે કારમાં સવાર તમામ લોકો કારમાંથી નીચે ઉતરી ગયા હતા. જોતજોતામાં આગ વધતા આસપાસ અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક દુકાનદારોએ પોતાના વાહનો હટાવી લીધા, જ્યારે સામે જ આવેલા પેટ્રોલ પંપ કર્મીઓ પણ ગભરાયા હતા. જોકે પેટ્રોલ પંપ કર્મીઓએ તાત્કાલિક પંપ ઉપર મૂકેલા ફાયર એક્સ્ટિંગ્યુસર લઈ કારમાં લાગેલી આગ ઓલવવા મથામણ શરૂ કરી હતી. જ્યારે અન્ય લોકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો. જેના કારણે થોડી મિનિટોમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. જોકે આગને કારણે કારમાં મોટુ નુકશાન થયુ હતું. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ થંભી ગયો હતો. સમગ્ર મુદ્દે રિગ્નેશ પટેલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.