પોલીસે 3 લાખનો ટેમ્પો કર્યો કબ્જે
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે સુરતથી ચોરાયેલા ટેમ્પો સાથે એકની ધડપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 3 લાખનો ટેમ્પો કબ્જે કરી, આગળની તપાસ શરૂ કરી છે.
સુરતના પુણા વિસ્તારમાંથી ચોરાયો હતો ટેમ્પો
મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સુરતના પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલા ટેમ્પો નવસારીમાં ફરી રહ્યો છે. જેને આધારે પોલીસે ચોરીના ટેમ્પોને ટ્રેક કરી, તેને પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચોર અને સુરતના જુની બોમ્બે માર્કેટ વિસ્તારમાં પાટી ચાલમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના 48 વર્ષીય રમેશ ઉર્ફે રાજુ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રમેશ પાસેથી 3 લાખનો ટેમ્પો કબ્જે કરી, સુરતની પુણા પોલીસને જાણ કરી હતી. સાથે જ પોલીસે આરોપી રમેશને પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપી રમેશ સામે અગાઉ નવસારી અને પુણામાં બે ગુના નોંધાઈ ચુક્યા છે.