નવસારી LCB પોલીસે બાતમીને આધારે છાપો મારી જુગારીયાઓને પકડ્યા
નવસારી : નવસારી LCB પોલીસે મળેલી બાતમીને આધારે વાંસદા તાલુકાના ચાપલધરા ગામે છાપો મારી 7 વરલી મટકાનો જુગાર રમાડતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 42,130 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે વાંસદા તાલુકામાં જુગારના ગુના શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન LCB ના HC ગણેશ દિનુને બાતમી મળી હતી કે, ચાપલધરા ગામના ડુંગરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે 7 વરલી મટકાનો જુગાર રમાડાઈ રહ્યો છે, જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારી 7 વરલી મટકાનો શ્રીદેવી બજાર, ટાઈમ બજાર અને નીલમ બજારનો જુગાર રમાડતા ચીખલી તાલુકાના વાંઝણા ગામનો વિજય ઠાકોર પટેલ અને સુરતના મહુવા ગામના પારસીવાડમાં રહેતા વિકેન રાજેશ ભંડારીને દબોચી લીધા હતા. જ્યારે વાંસદાના મુકેશને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વરલી મટકાના આંક લખેલી ચિઠ્ઠીઓ, કાગળની કાપલીઓ, 30 હજાર રૂપિયાના મોબાઈલ ફોન, 12,130 રૂપિયા રોકડા રૂપિયા મળી, કુલ 42,130 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વાંસદા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.