થોડા દિવસોથી દીપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં હતો ભયનો માહોલ
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓ દેખાવના ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ગામડાઓમાં રાત્રિના સમયે આંટાફેરા મારતા દીપડાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હોય છે, ત્યારે ચીખલી તાલુકાના કાંગવઈ ગામેથી આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
3 વર્ષીય દીપડાની આરોગ્ય તપાસ બાદ જંગલમાં છોડાશે
નવસારી જિલ્લો દીપડાઓ માટે અનુકૂળ બની રહ્યો છે. એક અંદાજ મુજબ નવસારીમાં દિવસે દિવસે દીપડાઓની વસ્તી વધતી રહી છે અને 100 થી વધુ દીપડા હોય, એવી સંભાવના પણ છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં સાંજના કે રાત્રિના સમયે આંટાફેરા મારતા દીપડાઓ પાલતુ પશુઓ અને મરઘાઓને શિકાર બનાવતા હોય છે. જ્યારે ખેતરોમાં ફરતા જંગલી ભૂંડ દીપડાઓનો પસંદગીનો ખોરાક બની રહ્યો છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે gt 4 એપ્રિલથી એક દીપડો ગામમાં ખેતરાડી વિસ્તારમાં ફરતો જોવા મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ગ્રામજનોએ ગામના સરપંચ મારફતે ચીખલી વન વિભાગને દીપડો દેખાયો હોવાની જાણ કરી હતી. જેને આધારે ચીખલી વન વિભાગે ગામના મહેશ પટેલના વાડામાં મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે શિકારની લાલચમાં એક દીપડો પાંજરે પુરાયો હતો. જેની દહાડ સાંભળી ગ્રામજનો જાગી ગયા હતા અને પાંજરાને તપાસતા તેમાં દીપડો જોવા મળ્યો હતો. જેથી ગ્રામજનોએ ચીખલી વન વિભાગના અધિકારીને જાણ કરતા, વન વિભાગની ટીમે વહેલી સવારે કાંગવઈ પહોંચી દિપડાનો કબ્જો મેળવી, તેને ચીખલી કચેરીએ લાવ્યા હતા. જ્યાં પાંજરામાં અંદાજે 3 વર્ષનો દીપડો હોવાનું અને વેટરનરી ડોક્ટર પાસેથી તેની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર છોડવાની તજવીજ હાથ ધરી છે.