DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો
નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.
બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા
ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.