18 વર્ષોથી બંને લૂટારૂ નાસતા ફરતા હતા, LCB પોલીસે ભરૂચથી દબોચ્યા
નવસારી : નવસારીના ચીખલી તાલુકાના ચાસા ગામે 18 વર્ષો અગાઉ 15 હજારની લૂટ ચલાવી ભાગી છૂટેલા મધ્યપ્રદેશની કુખ્યાત મેડા ગેંગના બે સાગરીતોને નવસારી LCB પોલીસે ભરૂચ ખાતેથી દબોચી ધરપકડ કરી હતી. જેની સાથે જ ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકનો ગુનો પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
18 વર્ષોથી પોલીસને હંફાવતા બંને લૂટારૂઓ ચીખલી પોલીસને સોંપ્યા
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસમાં હતી. દરમિયાન PI ડી. એમ. રાઠોડ અને તેમની ટીમના ASI સુનિલસિંહ દેવીસિંહ, PC સંદીપ પીઠા અને PC અર્જુન પ્રભાકરને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 18 વર્ષોથી ચીખલીની ક્વોરી લૂટના આરોપી અને મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાની કુખ્યાત મેડા ગેંગના સાગરિત દિનુ મેડા અને બદીયા નિનામા ભરૂચ જિલ્લાના હાઈવે નજીકના વિસ્તારમાં મજૂરી કરે છે. જેને આધારે નવસારી LCB પોલીસે તાત્કાલિક ભરૂચ LCB ની મદદથી આરોપી લૂટારૂ દીનુ મેડા અને બદીયા નિનામાને દબોચી લીધા હતા. બાદમાં બંને આરોપીઓને નવસારી લાવી, તેમની પૂછપરછ કરતા 18 વર્ષ અગાઉ ગત 31 માર્ચ, 2007 ની રાતે ચીખલી તાલુકાના ચાસા ગામે આવેલી શિવ શક્તિ સ્ટોન ક્વોરીમાંથી 15 હજાર રૂપિયાની લૂટ ચલાવી ફરાર થયા હતા. એજ અરસામાં બંનેએ પોતાની ટોળકી સાથે મળી ભરૂચના અંકલેશ્વર પાસે પણ લૂટ ચલાવી હતી. જેથી પોલીસે બંને લૂટારૂ દીનુ મેડા અને બદીયા નિનામાની ધરપકડ કરી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યા છે.