નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ
નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.