નવસારી : નવસારીના આશાપુરી માતાજી મંદિર પાછળના શોપિંગ સેન્ટર નજીક ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી, ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી જતા, તેમનો આબાદ બચાવ થયો હતો. અડધો કલાક બાદ ઘટના સ્થળે પહોંચેલી નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી.
કારમાં લાગેલ આગથી AB kids ના ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા, સંચાલકોએ બાળકોને સુરક્ષિત બહાર ખસેડ્યા
નવસારી શહેરના દુધિયા તળાવથી વિજલપોર જતા માર્ગ ઉપર આશાપુરી માતાજીના મંદિર પાછળ આવેલ શોપિંગ સેન્ટરની એક દુકાન બહાર ઉભેલી કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારમાં એક મહિલા અને બે બાળકો બેઠા હતા, જેઓ તાત્કાલિક કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કાર માલિકે ફાયર એક્સ્ટીંગ્યુસરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાબુમા આવી ન હતી. બીજી તરફ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે AB kids નર્સરી પણ ચાલે છે, કારમાં આગને કારણે ઉઠેલી ઉંચી જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઉપર અભ્યાસ કરી રહેલા 100 થી વધુ ભુલકાઓ તેમજ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે સંચાલકોએ સમય સૂચકતા વાપરી તમામ બાળકોને પાછળના ગ્રાઉન્ડમાં અને સામે આશાપુરી માતાજી મંદિરમાં સુરક્ષિત ખસેડી લેતા, મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબૂમાં લાવવામાં મુશ્કેલી જણાતા તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અડધો કલાક બાદ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે તરત પાણી અને ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ તો ગઈ, પણ કાર સંપૂર્ણ બળીને ખાક થતા મોટુ નુકશાન થયુ હતુ.