નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.