અપરાધ

નવસારીના લંગરવાડમાં ચોરી કરનારા ચોર પકડાયા

Published

on

નવસારી LCB પોલીસે 80 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારી શહેરના લંગરવાડમાં રીક્ષા ભાડે ફેરવવા આપતા રીક્ષા માલિકના જ ઘરે જ એક લાખથી વધુની ચોરી કરનાર ચોરને તેના સાથે સાથે નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બંને ચોરટાઓ પાસેથી 80 હજારથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું પગેરૂ શોધ્યું

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં આવેલ લંગરવાડમાં રહેતા રીયાઝ શેખ રીક્ષા ભાડે ફેરવવા આપે છે. જેના ઘરેથી ગત દિવસોમાં ચાંદીના દાગીના અને રોકડ મળી 1 લાખથી વધુની ચોરી થઈ હતી. ઘટનામાં રીયાઝે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. જેમાં નવસારી LCB પોલીસની ટીમ પણ જોતરાઇ હતી. પોલીસે લંગરવાડ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા, સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું પગેરૂ શોધવાની મથામણ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને બાતમીને આધારે નવસારીના વિજલપોરના રામજીપાર્ક ખાતે રહેતા અને રીક્ષા ચાલક તુષાર દંતાણી (19) તેમજ તેના સાથી અને વિજલપોરના લક્ષ્મીનગરમાં રહેતા સુરેશ દંતાણી (21) ને પકડી પાડ્યા હતા. બંનેની કડકાઇથી પૂછપરછ કરતા રીયાઝના ઘરે ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 80 હજાર રોકડ સહિત કુલ 80,570 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે નવસારી કોર્ટમાં રજૂ કરી બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બંને આરોપીઓ લુન્સીકુઈ વિસ્તારમાં નાસ્તાની લારી ઉપર પણ કરતા હતા કામ

પોલીસની પકડમાં આવેલા તુષાર દંતાણી રીયાઝ શેખ પાસેથી જ રીક્ષા ભાડે ફેરવવા લાવતો હતો. જેથી રીયાઝની આવક વિશે તેને માહિતી હતી. જેથી તુષારે તેના સાથી સુરેશ દંતાણી સાથે ચોરીનો પ્લાન ઘડીને ચોરી કરી હતી. ઉલ્લેખનિય છે કે, તુષાર અને સુરેશ દંતાણી બંને શહેરના લુન્સીકુઈ સ્થિત સરબતિયા તળાવ પાસે ઉભી રહેતી નાસ્તાની લારી ઉપર પણ કામ કરતા હતા. જેમાં સુરેશ પાઉંભાજી અને તુષાર પાઉં આમલેટની લારી ઉપર કામ કરતા હતા. જ્યારે તુષાર દંતાણી અગાઉ પણ વર્ષ 2020 માં ચોરીના ગુનામાં જેલની હવા ખાઇ ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version