નવસારીની સ્પેશલ પોસ્કો કોર્ટે ભરત પટેલને કસૂરવાર ઠેરવી સંભળાવી સજા
નવસારી : નવસારીના કાંઠા વિસ્તારના એક ગામડાની 14 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઈ તેની સાથે શારીરિક અડપલા કરનારા નરાધમ ભરત પટેલને નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે કસૂરવાર ઠેરવી 11 હજાર રૂપિયાનો દંડ અને 5 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
એક વર્ષ અગાઉ હવસખોર ભરતે કર્યા હતા શારીરિક અડપલા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠાના એક ગામડામાં એક વર્ષ અગાઉ 14 વર્ષીય સગીરા પોતાની નાનીના ઘરે રહેવા આવી હતી. સગીરા 10 માં ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી, નાનીના ઘરે પોતાનું ગૃહ કાર્ય કરી રહી હતી. દરમિયાન ગત 14 એપ્રિલ 2024 ના રોજ બપોરના સમયે સગીરા ઘરનું બારણું અડધું ખોલી, પોતાનું અભ્યાસકાર્ય કરી રહી હતી, ત્યારે પડોશમાં રહેતો 55 વર્ષીય હવસખોર ભરત પટેલ તેની પાસે પહોંચ્યો હતો અને સગીરાને કયું પેપર ચાલે છે..? પૂછીને પોતાની બાથમાં ભીડી લીધી હતી. બાદમાં સગીરાના શરીર ઉપર બદઈરાદે હાથ લગાવી, તું મને બહુ ગમે છે કહીને ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દાદાની ઉંમરના નરાધમ ભરતથી બચવા માટે સગીરાએ બચાવો બચાવોની બૂમો પડતા, ભરત ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાની આપવીતી સાંભળ્યા બાદ તેની માતાએ મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હવસખોર ભરત પટેલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ એક વર્ષથી નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલતો હતો. જેમાં ફરિયાદી અને ભોગબનનારના નિવેદનો સહિત વિવિધ પુરાવાઓ તપાસી અને સરકારી વકીલ અજય ટેલરની ધારદાર દલીલોને સાંભળી કોર્ટે આરોપી ભરત પટેલને કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદ સાથે 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પીડિતાને યોગ્ય વળતર ચૂકવવા માટે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.