ચીખલી રેંજમાંથી એક મહિનામાં 6 દીપડા પકડાયા
નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, જેને કારણે ખેતી અને વાડી વિસ્તારમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય થઇ રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી ચીખલીના સાદકપોર ગામે આંટાફેરા મારતો દીપડો ગત મોડી રાતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
સાદકપોરમાં પાંજરે પુરાયેલા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ
નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યું છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં દીપડાની વસ્તી થોડા વર્ષોમાં ખાસ્સી વધી છે. જેનું કારણ દીપડાઓ માટે આબોહવા માફક આવવા સાથે જ નદી કોતરો સાથે ખેતી અને વાડી વિસ્તાર, જેમાં જંગલી ભુંડ અને મરઘા ફાર્મ થકી શિકાર મળી રહે છે. જોકે દીપડાઓ નજીકની માનવ વસ્તીમાં આવી શ્વાન અને વાછરાડાનો પણ શિકાર કરી લેતા હોય છે. જેમાં પણ છેલ્લા થોડા મહિનાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બનવા સાથે વન વિભાગ દ્વારા પણ ઘણા દીપડાઓને પાંજરે પુર્યા છે. ગત રાતે જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે બામણીયા ફળિયામાં અલ્પેશ પટેલની વાડીમાં ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચમાં એક માદા દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સરપંચે ચીખલી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ચીખલી વન કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં દીપડો માદા દીપડો હોવા સાથે તેની અંદાજીત ઉંમર 3 વર્ષની હોવાનું ખુલ્યુ હતુ. વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.