નવસારી LCB પોલીસે 5.61 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પરથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ હેરાફેરી થાય છે, ત્યારે ગત રોજ નવસારી LCB પોલીસે બાતમીને આધારે ચીખલી હાઈવે પર થાલા ગામ પાસેથી 2.61 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ કાર પકડી પાડી હતી. જયારે ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ગત રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના PC પ્રશાંતકુમાર બહાદુરસિંહ અને PC જયેશ બાબુજીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે વલસાડ તરફથી વિદેશી દારૂ ભરેલી એક સફેદ રંગની કાર સુરત તરફ જઈ રહી છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર ચીખલી તાલુકાના થાલા ગામ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા, પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર થોડે દૂર ઉભી રાખી અને કાર છોડીને ભાગી છૂટ્યો હતો. પોલીસે દોડીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહી હતી. જયારે કારમાંથી 2.61 લાખ રૂપિયાની વ્હીસ્કી-બીયરની કુલ 1344 બાટલીઓ સાથે 3 લાખ રૂપિયાની કાર મળીને કુલ 5.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ આરંભી છે.