નવસારી : નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાંજણ જમીનમાં બનેલા ઝીંગાના તળાવો ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર જલાલપોર મામલતદારે લાલ આંખ કરી છે. જલાલપોરના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે 4 હેક્ટર જમીનમાં બનેલા 5 ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે મામલતદારે દૂર કરાવ્યા હતા.
15 JCB મશીનોની મદદથી 5 ઝીંગા તળાવોને તોડી દૂર કરાયા
નવસારી જિલ્લાને 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેની નજીક કાંઠાનાં ગામડાઓની ખાંજણ જમીનમાં મત્સ્યાધ્યોગને પ્રોત્સાહન આપવા ઝીંગાના તળાવો વિકસાવાયા છે. પરંતુ ઘણી જગ્યાએ નિયમોને નેવે મુકીને આડેધડ બનાવી દેવાયેલા ઝીંગાના તળાવો ભરતીનાં પાણી, કે ચોમાસામાં દરિયાને મળતા પાણીને અવરોધે છે અને તેના કારણે કાંઠાના ગામડાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જલાલપોર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે CRZ ના નિયમોનું ઉલ્લંઘન કરીને 4 હેક્ટર જમીનમાં બનાવેલા 5 ઝીંગા તળાવો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશની જલાલપોર મામલતદારે અમલવારી કરી, ગેરકાયદે બનેલા પાંચેય ઝીંગા તળાવોને દૂર કરાવ્યા હતા. જલાલપોર મામલતદાર મૃણાલદાન ગઢવી આજે પોલીસ પ્રોટેક્શન સાથે 15 JCB મશીનો લઇ કરાડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે NGT ના આદેશાનુસાર પૂર્ણા નદી કિનારે ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મુકીને બનાવેલા પાંચેય ઝીંગા તળાવોને JCB મશીનની મદદથી તોડીને દૂર કર્યા હતા. આગામી દિવસોમાં પણ જલાલપોર તાલુકાના કાંઠાના ગામોમાં ગેરકાયદેસર રીતે બનેલા ઝીંગા તળાવોને પણ દૂર કરવાની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.