અકસ્માતમાં કાર ચાલક પણ ગંભીર રીતે ઘવાયો
નવસારી : નવસારીના મરોલીથી ઉભરાટ પ્રવાસન ધામ તરફ જતા ગત રાતે એક પૂર ઝડપે દોડતી કાર અચાનક રસ્તા પર આવી ચડેલા ભેંસોના ટોળા સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં 4 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રાતના અંધારામાં રસ્તા પર સ્ટ્રીટ લાઈટના અભાવમાં થયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામેથી કાંઠાના ઉભરાટ પ્રવાસન ધામ તરફ ગત રાતે એક સુરત પાસિંગની કાર પુર ઝડપે દોડી રહી હતી. જોકે માર્ગ પર એક ઠેકાણે રસ્તા ઉપર ભેંસોનું ટોળું ચાલી રહ્યું હતું, જેમાં અંધારાને કારણે ભેંસ ન દેખાતા અને કારની ઝડપ હોવાથી ચાલક યુવાને ભેંસોના ટોળામાં કાર ભટકાવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કાર પલટી મારીને રસ્તાની કિનારે જઈ પડતા, કારના આગળના ભાગે ભારે નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતમાં કાર ચાલક તેમજ તેની સાથે બેઠેલ અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સ્થાનિક લોકોએ કારમાંથી બહાર કાઢી, સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિકને હળવો કરાવ્યો હતો અને સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, મરોલી ઉભરાટ માર્ગ પર શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉભરાટ પ્રવાસન ધામ ખાતે આવતા હોય છે, પરંતુ આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ રહેતા અવાર નવાર અકસ્માતો થાય છે. જેમાં ઘણીવાર લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.