સેલવાસ અને સુરતના પલસાણાના બુટલેગર વોન્ટેડ
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર ચીખલીના બલવાડા ઓવરબ્રિજ નજીકથી 8.40 લાખનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે ચાલકને ચીખલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સેલવાસથી દારૂ ભરાવનાર અને સુરતના પલસાણાથી દારૂ મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ચીખલી પોલીસે કુલ 13.45 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. ત્યાર આજે ચીખલી પોલીસ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે PC ભરત ભગવાન અને PC અલ્પેશ સાતાને સંયુક્ત રીતે મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો બંધ બોડીનો પીકઅપ આવતા જ પોલીસે તેને અટકાવી, તપાસ કરતા તેમાંથી 8.40 લાખ રૂપિયાની વ્હીસ્કીની કુલ 3,984 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે પીકઅપ ચાલક અને વલસાડ જિલ્લાના વાપીના ઇમરાન નગરમાં રહેતા 36 વર્ષીય સબ્બીર બલોચની ધરપકડ કરી હતી. આરોપી સબ્બીરની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસથી કોઈ અજાણ્યાએ ભરાવી આપ્યો હતો અને સુરતના પલસાણાના બુટલેગર ચંદ્રભાઈને પહોંચાડવાનો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 5 લાખ રૂપિયાનો પીકઅપ અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 13.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ચીખલી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.