નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.