મીણકચ્છ પાસે કાર ઝાડ સાથે અથડાતા ચાલક કાર છોડી ભાગી છૂટ્યો
નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખોનો વિદેશી દારૂ આગળના જિલ્લાઓમાં વહન થાય છે. ત્યારે નવસારી LCB પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ચીખલીથી વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલકે ગભરાટમાં કાર મીણકચ્છ ગામે ઝાડ સાથે અથડાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. પાછળ આવેલી પોલીસે કારમાંથી 2.62 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ અને કાર મળી 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ જિલ્લાના ચીખલી તાલુકામાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે HC ગણેશ દિનુ અને PC કિરણ ભગુને સંયુક્ત રીતે બાતમી મળતા, પોલીસે નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી ઓવર બ્રિજના ઉત્તર છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ દારૂ ભરેલી કારના ચાલકે પૂર ઝડપે કાર હંકારી દીધી હતી, જેથી પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. દારૂ ભરેલ કારના ચાલકે કાર હાઈવેથી દેગામ અને ત્યાંથી ટાંકલ જતા માર્ગ ઉપર વાળી દીધી હતી. જેમાં ઝડપમાં કાર હાંકવા સાથે ગભરાટમાં ચાલકે મીણકચ્છ ગામ પાસે રસ્તાની કિનારે ઝાડ સાથે કાર અથડાવી દીધી હતી. જેથી પકડાઈ જવાની બીકે કાર ચાલક ઘટના સ્થળે કાર છોડીને ભાગી છૂટ્યો હતો. જ્યારે પાછળ આવેલી LCB પોલીસે કારમાં તપાસ કરતા, કારમાંથી 2.62 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બીયરની કુલ 948 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ સાથે 3 લાખ રૂપિયાની કાર મળી કુલ 5.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ કારમાંથી અલગ અલગ નંબરની 4 નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે સમગ્ર મુદ્દે અજાણ્યા કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી, ચીખલી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.