સેલવાસથી વિદેશી દારૂ ભરાવીને સુરત લઈ જવાતો હતો
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે 5.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરવામાં આવ્યો હતો, જેને સુરત તરફ પહોંચાડવાનો હતો.
પોલીસે એક મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી, 15.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પરથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. દારૂની હેરાફેરી કરનારા ખેપીયાઓ અનેક તિકડમ લગાવી હાઈવે તેમજ જિલ્લાના આંતરિક માર્ગોનો ઉપયોગ કરી દારૂ તેના ગંતવ્ય સુધી પહોંચાડે છે. પરંતુ જિલ્લા પોલીસે બાતમીદારોને એક્ટિવ રાખી, દારૂની હેરાફેરીને રોકવાના પ્રયાસો કરતી રહે છે. ત્યારે ગત રોજ રાતે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમના PC શિવરાજ જોરૂભાઈ અને PC હિમાંશુ અશોકભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક કથ્થઈ રંગના ટેમ્પોમાં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી, ટેમ્પો ભીલાડ, વાપી, વલસાડ અને નવસારીથી સુરત જનાર છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકાની ઉત્તરે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પામાંથી 5.76 લાખ રૂપિયાની વ્હિસ્કી વોડકાની 1920 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના સરકાંડે ડિહ ગામે રહેતો 28 વર્ષીય તૌસિફ શેખની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી એક પિક અપમાં એક અજાણ્યો લાવ્યો હતો અને તેને ટેમ્પોમાં ભર્યો હતો. જે બીલીમોરાની પારુલ ઉર્ફે પૂજાના કહેવાથી સુરત પહોંચાડવાનો હતો. જેથી પોલીસે પારુલ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 3 હજાર રૂપિયાના મોબાઈલ ફોન મળી કુલ 15.79 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.