નવસારી : નવસારી શહેરમાં વર્ષોથી શહીદ ચોક વિસ્તારમાં દર રવિવારે ગેરકાયદે જૂનો કાટમાળ મુકીને વેપાર કરતા વેપારીઓનો સમાન આજે મહાનગર પાલિકાના દબાણ વિભાગે હટાવ્યો હતો. મહાનગર પાલિકાએ વેપારીઓ પાસેથી 16 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. જોકે મહાનગર પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.
નવસારી શહેરના શહીદ ચોક વિસ્તારમાં નવસારી હાઇસ્કૂલ શોપિંગ સેન્ટરની બહાર છેલ્લા 50 વર્ષોથી કાટમાળ વેપારીઓ દર રવિવારના દિવસે કાટમાળ ગોઠવી તેનો વેપાર કરતા આવ્યા છે. જોકે મુખ્ય રસ્તાની બાજુમાં જ કાટમાળ ગોઠવીને વેપાર કરવાને કારણે ટ્રાફિક સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી નવસારી મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા કાટમાળ વેપારીઓને દબાણ હટાવી રસ્તો ખાલી કરવાની સૂચના આપી હતી. પરંતુ વેપારીઓએ આજે રવિવારે પણ કાટમાળ ગોઠવી દેતા દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી, તાત્કાલિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા વેપારીઓએ દબાણ હટાવી લેવાની તૈયારી દર્શાવી, કાટમાળ હટાવી લીધો હતો. સાથે જ દબાણ વિભાગે કાટમાળ વેપારીઓ પાસેથી 16 હજાર રૂપિયાનો દંડ પણ વસુલ્યો હતો. વર્ષોથી રવિવારે કાટમાળનો વેપાર કરતા હોવાથી વેપારીઓમાં મહાનગર પાલિકાની કામગીરીથી રોષ જોવા મળ્યો હતો. સાથે જ તમામ વેપારીઓએ ભેગા થઈ સોમવારે મહાનગર પાલિકાના કમિશ્નરને રજૂઆત કરવાની તૈયારી પણ કરી હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનિય છે કે, દબાણ વિભાગ દ્વારા શહેરમાં ભરાતા રવિવારી બજારમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.