નવસારી LCB પોલીસે 2.04 લાખના 3360 કિલો લોખંડના સળિયા કબ્જે કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર ગેરકાયદે લોખંડના સળિયા ભરીને જતા ટેમ્પોનો ફિલ્મી સ્ટાઈલમાં નવસારી LCB પોલીસે પીછો કરી, તેને કણબાડ ગામ પાસ અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં વગર બીલના 2.04 લાખ રૂપિયાના 3360 કિલો વજનના લોખંડના સળિયા કબ્જે કરી, ટેમ્પો ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી.
પોલીસે ઘટના સ્થળેથી 7.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઈવે નં. 48 ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ASI દિગ્વિજયસિંહ જગતસિંહ અને ASI લલિત અશોકભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં ગેરકાયદે લોખંડના સળિયા સુરત તરફ જઈ રહ્યા છે. જેને આધારે પોલીસે હાઈવે ઉપર નવસારીના અષ્ટગામના ઓવરબ્રિજના દક્ષિણ છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેમ્પો ચાલકે પોલીસને જોઈ ટેમ્પો પૂર ઝડપે ભગાવી દેતા, પોલીસે ટેમ્પોનો પીછો કર્યો હતો. ફિલ્મી સ્ટાઈલમાં ટેમ્પો પાછળ પડેલી નવસારી LCB પોલીસે આગળ કણબાડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસે સળિયા ભરેલ ટેમ્પોને અટકાવવામાં સફળ રહે હતી. પોલીસે ટેમ્પો ચાલક અને ચીખલીના બલવાડા ગામે રહેતા દિપક ઉર્ફે દિપ અજય પવાર તેમજ ક્લીનર અને વલસાડ જિલ્લાના ડુંગરી સોનવાડા ગામના સુશિલ નવીન પટેલ પાસેથી લોખંડના સળિયાના બીલ કે અન્ય પુરાવા માંગ્યા હતા. પરંતુ તેઓ બીલ કે અન્ય દસ્તાવેજો આપી ન શકતા, ચોરી કે અન્ય રીતે સળિયા મેળવેલા હોવાનું જાણી, પોલીસે દિપક પવાર અને સુશિલ પટેલની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી 2.04 લાખ રૂપિયાના 3360 કિલો વજનના લોખંડના સળિયા, 5 લાખ રૂપિયાનો ટેમ્પો અને 20 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 7.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે તપાસને વેગ આપ્યો છે.