નવસારી : ગાયકવાડી રાજના નવસારી પ્રાંતને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા બાદ 162 વર્ષે જૂનાથાણાથી ગ્રીડની વચ્ચે કાલિયાવાડી સ્થિત કાળો પુલ જર્જર થતા તેને 3.99 કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે. જેનું આવતી કાલે નવસારીના સાંસદ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે. પુલ વાહન વ્યવહાર માટે શરૂ થતા શહેરીજનોને 4 મહિનાથી પડતી અગવડતામાંથી રાહત મળશે.
વર્ષ 1863 માં જમશેદજી જીજીભોયના સ્મરણાર્થે બનાવવામાં આવ્યો હતો
ગાયકવાડી રાજમાં નવસારી શહેર તરીકે વિકસ્યુ હતું. જેમાં કાલિયાવાડી વિસ્તારમાં વર્ષ 1860 માં શરૂ થયેલી વિક્ટોરિયા ડિસ્પેન્સરીમાં આવવા જવા માટે વચ્ચે આવતા પૂર્ણા નદીના ફાટાનો, જે આજે ખાડી બની ચુક્યો છે, લોકો ઉપયોગ કરતા હતા. પરંતુ પૂર્ણા નદીના ફાટામાં પાણીને કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી. જેથી સર જમશેદજી જીજીભોયના સ્મરણાર્થે બનાવેલી ડિસ્પેન્સરીમાં જવા માટે પૂર્ણાના ફાટા પર પુલ બનાવી અપાવા નવસારીજનોએ સ્વ. જમશેદજીના પત્ની આવાંબાઈને વિનંતી કરી હતી. જેને ધ્યાને રાખી, 35 હજાર રૂપિયાના ખર્ચે પુલ બનવાનો હતો. પરંતુ કોઈક કારણસર પુલ બન્યો ન હતો. બાદમાં ગાયકવાડ સરકાર અને આવાંબાઈના સંયુક્ત સહયોગથી 22,542 રૂપિયાના ખર્ચે કાળો પુલ બન્યો હતો.
ગાયકવાડી રાજમાં નવસારી સુધરાઇ બની, જે વર્ષો બાદ નવસારી પાલિકા અને નવસારી વિજલપોર નગર પાલિકા બની અને હાલમાં વર્ષ 2025 ના પ્રારંભે નવસારીને મહાનગર પાલિકા કાર્યરત થઈ હતી. વર્ષો વીત્યા પણ જૂનાથાણાથી ગ્રીડ વચ્ચે કાલિયાવાડી સ્થિત ઐતિહાસિક કાળો પુલ શહેરમાં અવર જવર માટે ઉપયોગી હતો. પરંતુ થોડા વર્ષોથી પુલ ઉપરથી વાહનોની અવર જવર વધતા પુલની ક્ષમતા સાથે જ 162 વર્ષ થવાથી પણ પુલ જર્જર થયો હતો. જેથી મહાનગર પાલિકા દ્વારા અચાનક તોડીને નવો બનાવવાની તૈયારી કરી હતી. જેમાં ટ્રાફિકને દશેરા ટેકરી વિસ્તારમાંથી ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક કાળા પુલની જગ્યાએ મહાનગર પાલિકાએ 3.99 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું નિર્માણ શરૂ કર્યું, જે અંદાજે 4 મહિનામાં પૂર્ણ થયો છે. જેનું આવતી કાલે સવારે 9 વાગ્યે નવસારીના સાંસદ, ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ થશે. નવનિર્મિત પુલના લોકાર્પણની આજે મહાનગર પાલિકાએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત પદાધિકારીઓ અને મહાનગર પાલિકાના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.