નવસારી LCB પોલીસે 2.69 લાખનો દારૂ કર્યો કબ્જે, 2 વોન્ટેડ
નવસારી : નવસારી LCB પોલીસની ટીમ રાનકુવા ચાર રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ચાર રસ્તાની નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યુ, કારણ એક કારમાં 2.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. જેથી પોલીસે દારૂ કબ્જે લઈ, કાર ચાલકની ધરપકડ કરી હતી.
ઘટના સ્થળથી પોલીસે કુલ 10.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ ચીખલી તાલુકાના રાનકુવા ચાર રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ચીખલી તરફથી આવતા માર્ગ ઉપર બે કાર સામ સામે અથડાવાનો અવાજ આવતા પોલીસ તરત અકસ્માત સ્થળે પહોંચી હતી. જેમાં બંને કાર ચાલક અકસ્માતને લઈને ઝઘડી રહ્યા હતા અને એક કાર ચાલક પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરતો હતો. ત્યારે કારની તપાસ કરતા સામેની કારમાં વિદેશી દારૂ જણાતા જ પોલીસે કાર ખોલી તપાસતા તેમાંથી 2.69 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બીયરની 255 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ, કાર ચાલક વલસાડના ઉંમરગામ તાલુકાના સરી ગામના મસ્જિદ ફળિયામાં રહેતા તૌસીફ શેખની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 8 લાખ રૂપિયાની કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 10.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, સરી ગામના જ રમઝાન શેખ અને રમેશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે ચીખલી પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.