નવસારી ગ્રામ્ય પોલીસે 2.૩૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : નવસારી શહેરના ઇટાળવા સ્થિત નહેર નજીકની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 3 શકુનિઓને નવસારી ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા હતા. જયારે પોલીસને જોઈ 6 જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
જુગારીઓ બેખોફ જુગાર રમી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી
મળતી માહિતી અનુસાર, નવસારીના ઇટાળવા વિસ્તારમાં આવેલ લેક પાલ્મ વિલાની સામે નહેર નજીકમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયા ઉપર હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી મળતા જ નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે છાપો માર્યો હતો. પોલીસને જોઈ નહેર જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસે તરત તરાપ મારીને કાલીયાવાડીના તલાવડી ફળિયાના જતીન પટેલ, નવસારીના ભેંસતખાડા માછીવાડના મહેશ દંતાણી અને તીઘરા નવી વસાહતમાં રહેતા યોગેશ કુંકણાને દબોચી લીધા હતા. જયારે ઘટના સ્થળેથી નવસારીના કસ્બાપાર ગામના વિવેક ઉર્ફે વાણીયો નિર્વાણ, નવસારીના કબીલપોરના જામપીર મોહલ્લાના અમિત જોગી, નવસારીના તિઘરા નવી વસાહતના ભાવિન પટેલ, નવસારીના ઝવેરી સડકના સલીમ મંગેરા, નવસારીના ભેંસતખાડા માછીવાડના હિમાંશુ ઢીમ્મર અને દશેરા ટેકરીના અલ્પેશ ઉર્ફે અપ્પુ ભાગવામાં સફળ રહ્યા હતા, જે 6 જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી 10,500 રૂપિયા રોકડા, 13 હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, 2.10 લાખ રૂપિયાની 4 બાઇક મળીને કુલ 2.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.