દક્ષિણ-ગુજરાત

દેવધા સ્થિત દેવસરોવર ડેમના 20 દરવાજા ખોલાયા, 20 બાકી

Published

on

અંબિકા નદી કિનારાનાં 16 ગામોને કરાયા એલર્ટ

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામ પાસે અંબિકા નદી ઉપર બનેલ દેવ સરોવર ટાઇડલ ડેમના 40 માંથી 20 દરવાજાને આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતા પૂર્વે અંબિકા કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ગણદેવી અને બીલીમોરા શહેર અને 20 થી વધુ ગામો માટે દેવ સરોવર ડેમ જીવાદોરી સમાન

નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો નંદનવન તરીકે ઓળખાય છે. કારણ અહીં ચીકુ અને આંબાવાડીઓ મોટા પ્રમાણ છે, સાથે જ ડાંગર તેમજ શેરડી સાથે જ અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન પણ ગણદેવીમાં થાય છે. ત્યારે ગણદેવી અને બીલીમોરા શહેર તેમજ અંબિકા નદીના કિનારાના 20 થી વધુ ગામોને પીવાના પાણી સાથે જ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે એ હેતૂથી તાલુકાના દેવધા ગામ નજીક અંબિકા ઉપર દેવ સરોવર ટાઇડલ ડેમ (દેવધા ડેમ) બનાવવામાં આવ્યો હતો. અંબિકા નદીમાં ચોમાસા પૂર્વે પાણીની આવક વધતા ડેમના દરવાજા ડ્રેનેજ વિભાગ દ્વારા ખોલી નાંખવામાં આવે છે. નવસારીના ઉપરવાસના જિલ્લા ડાંગમાં ગત મે મહિનાથી સારો વરસાદ વરસતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેમાં જૂનના મધ્યથી વરસાદની શરૂઆત થતા, આજે ડ્રેનેજ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલની ઉપસ્થિતિમાં દેવ સરોવર ડેમના 40 માંથી 20 દરવાજાને રૂટીન પ્રક્રિયા હેઠળ ખોલવામાં આવ્યા હતા. નદીમાં પાણીની આવક વધુ થશે, તો બાકીના 20 દરવાજાઓને પણ ખોલી દેવામાં આવશે. ડેમના દરવાજા ખોલવા પૂર્વે તંત્ર દ્વારા અંબિકા નદીના કિનારાના 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા જ પશ્ચિમ તરફનો નજારો આહ્લાદક બન્યો હતો. ડેમના દરવાજા ખુલતા માછીમારો પણ કિનારેથી અને નદીમાં હોડકા લઇ માછલી પકડતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવધાનો દેવ સરોવર ટાઇડલ ડેમ તાલુકાના બે શહેરો અને 20 થી વધુ ગામડાઓ માટે જીવાદોરી સમાન છે.

Click to comment

Trending

Exit mobile version