નવસારી : નવસારી જિલ્લામાં વરસાદની વધીવત શરૂઆત થઇ છે અને પ્રથમ ઇનિંગમાં જ મેઘરાજાએ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. નવસારીમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસતા 5 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જયારે એક તાલુકામાં 7 મિમી વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જિલ્લામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે. રાજયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. ત્યારે દક્ષિણના નવસારી જિલ્લામાં પણ ગત રોજથી બનેલા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોમાસાની વિધિવત શરૂઆત થતા ખેડૂતો પણ હરખાયા છે, જોકે કામોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ હતી, મોડે મોડે ડાંગર કાપ્યા બાદ તેને મહામહેનતે વેચી શક્યા છે, ત્યાં ખેડૂતો હવે ચોમાસું ડાંગરની તૈયારીમાં જોતરાયા છે. આજે સવારથી નવસારી જિલ્લામાં થોડા થોડા સમયે પડેલા વરસાદી ઝાપટાથી રાતે 10 વાગ્યે પુરા થતા 16 કલાકમાં જિલ્લાના 5 તાલુકાઓમાં અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે, જયારે એક ખેરગામ તાલુકામાં ફક્ત 7 મિમી વરસાદ પડ્યો હતો.