મહાનગર પાલિકાની આળસને કારણે શહેરના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય
નવસારી : નવસારી શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર ખેડાઓનું સામ્રાજ્ય થયુ છે. મહાનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન પૂર્વે ખાડાઓ ભરવાની જરૂર હતી, પણ સંબંધિત વિભાગની આળસને કારણે આજે ખાડાઓને કારણે શ્રીજી પ્રતિમાઓમાં તડ પડતા ગણેશ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. સાથે જ મહાનગર પાલિકા ખાડા પૂરે એવી વિનંતી ગણેશ મંડળોના સભ્યોએ કરી હતી.
વિજલપોરના મંડળની ગણેશ પ્રતિમામાં પડી તિરાડો
નવસારી મહાનગર વિસ્તારમાં આવેલા તમામ મુખ્ય રસ્તાઓ ઉપર ચંદ્રની ધરતી જેવા ખાડાઓ પડ્યા છે. વારંવારની રજૂઆતો અને ગત મહિનાઓમાં રાજ્ય સરકારની તાકીદને પગલે મહાનગર પાલિકાએ રસ્તાઓના ખાડા પૂરવાની ખાનાપૂર્તિ કરી હતી. જોકે ત્યારબાદ વરસાદમાં ફરી શહેરના રસ્તાઓ ખાડા માર્ગમાં ફેરવાઈ ગયા છે. ગણેશ વિસર્જનમાં ભક્તોને મુશ્કેલી પડે એવી ચર્ચા સાથે મહાનગર પાલિકા વિસર્જન માર્ગ ઉપરના ખાડા પુરે એવી માંગ પણ ઉઠી હતી. જોકે મહાનગર પાલિકાના અધિકારીની આળસને કારણે રસ્તાના ખાડા પુરાયા નહીં અને આજે ખાડાને કારણે ગણેશ પ્રતિમાઓમાં તિરાડો પડતા શ્રીજી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. વિજલપોરના શિવાજી ચોક નજીકના ભગતસિંહ ગ્રુપની વિશાળ મૂર્તિ વિરાવળ ઓવારા તરફ આગળ વધી રહી હતી. પરંતુ વિજલપોરથી વિરાવળ સુધી પહોંચતા પ્રતિમામાં તિરાડો પડી હતી. ખાસ કરીને મોટા બજાર વિસ્તારમાં ટાઉન પોલીસ મથકથી ટાટા સ્કૂલ સુધીમાં શ્રીજી ભક્તોને પ્રતિમા લઈ જતા નવ નેજા પાણી આવી ગયા હતા. વિસર્જન પૂર્વે મહાનગર પાલિકા દ્વારા રસ્તાના ખાડા ન પૂરતા ગણેશ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે જ મહાનગર પાલિકા અન્ય ગણેશ પ્રતિમાઓ ખંડિત ન થાય એ માટે વહેલી તકે ખાડાઓ પૂરે એવી અપીલ પણ કરી હતી.