વિજલપોરના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગણેશ વિસર્જન
નવસારી : નવસારીમાં આજે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી. જેમાં નવસારી શહેરના વિજલપોર વિસ્તારના શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં 8000 કિલો ગુલાલ ઉડાવીને શ્રીજીને વિદાય આપતા સમગ્ર વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું.
1985 થી અંબાજી નગરમાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ઉજવાય છે ગણેશોત્સ
નવસારીમાં 10 દિવસો સુધી ભકતોએ ભક્તિભાવ પૂર્વક શ્રી ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી. રોજ બાપ્પાની ભાવથી આરતી કરી, તેમને ભાવતા ભોજન પીરસ્યા હતા. પરંતુ આજે અનંત ચૌદશના દીને ગણેશજીએ નીજ ધામ જવાની તૈયારી કરતા જ ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. જોકે ગણેશ વિસર્જન યાત્રામાં ભક્તોએ બાપ્પાને અનોખી રીતે વિદાય આપવાનું આયોજન કર્યું હતું. જેમાં નવસારી શહેરના વિજલપોરના અંબાજી નગરનું શિવ રાણા ગ્રુપ 1985 થી ગણેશોત્સવ ઉજવતો આવ્યો છે. વર્ષોથી ગ્રુપના સભ્યો મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બાપ્પાને વિદાય આપે છે. આજે વિસર્જન યાત્રામાં શિવ રાણા ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન બેન્ડ સાથે જ મહારાષ્ટ્રથી 8000 કિલો ગુલાલ મંગાવ્યો હતો. બપોરે વિસર્જન યાત્રાની તૈયારી કરતા જ બે JCB મશીનમાં હજારો કિલો ગુલાલ ભરવામાં આવ્યો હતો. જ્યારે ગણપતિ બાપ્પાની યાત્રા નીકળી કે ભક્તોએ ગુલાલ ઉડાવી તેમને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી. ગુલાલની છોળો ઊડતા સમગ્ર વાતાવરણ લાલ થયુ હતું. એટલું જ નહીં વિસર્જન યાત્રામાં વિજલપોર ગુલાલના રંગે રંગાયું હતું. જ્યારે મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે શ્રીજી ભક્તો ઝૂમતા વિરાવળ ઓવારા તરફ આગળ વધ્યા હતા. પરંતુ 10 દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગતા કર્યા બાદ તેમને વિદાય આપતા શિવ રાણા ગ્રુપના સૌની આંખો ભીંજાઈ હતી.