રોટરી ક્લબ સહિતની NGO એ પૂજાપો એકત્રિત કરી નદી પ્રદૂષણ અટકાવ્યુ
નવસારી : નવસારીમાં આજે ગણેશ વિસર્જન માટે આવેલા ગણેશ ભક્તો પાસેથી નવસારી રોટરી ક્લબ અને અન્ય NGO દ્વારા 10 દિવસના ફૂલહાર, પૂજાપા સહિતની વસ્તુઓ એકત્રિત કરી પૂર્ણા નદીને પ્રદૂષિત થતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 50 ટનથી વધુ ભેગા થતા ફૂલહારમાંથી મહાનગર પાલિકા આ વર્ષે અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરશે.
ગણેશોત્સવમાં અંદાજે ત્રણ ટનથી વધુ પ્લાસ્ટિક થાય છે ભેગુ
નવસારી શહેરમાં 10 દિવસ સુધી ભક્તોએ ભક્તિભાવ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. જેમાં રોજના ભક્તોએ શ્રીજીને વિવિધ ફૂલો તેમજ ફળોના શણગાર કર્યા હતા. બાપ્પાને ભાત ભાતના ભોગ પણ ધરાવ્યા હતા. 10 દિવસ દરમિયાન ભેગા થયેલા ફૂલહાર તેમજ અન્ય પૂજાપો ભક્તોએ ભેગો કરી રાખ્યો હતો, જેને બાપ્પાના વિસર્જન સાથે જ નદીમાં વિસર્જીત કરવાની માન્યતા અનુસાર પોતાની સાથે લાવ્યા હતા. જોકે આ વર્ષે મહાનગર પાલિકાએ દરેક ગણેશ મંડળોમાંથી રોજના ફૂલહાર લેવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી હતી. ત્યારે વિસર્જનમાં આવેલ શ્રીજી ભક્તો પાસેથી નવસારી રોટરી ક્લબ, હરિજયોત, રોબીન હૂડ આર્મી સહિતની NGO દ્વારા ફૂલહાર સહિત અન્ય પૂજાપો એકત્રિત કર્યો હતો. જેમાં અંદાજે 50 ટનથી વધુ ફૂલહાર, ત્રણ ટનથી વધુ પ્લાસ્ટિક સાથે મોટી સંખ્યામાં ફળ ભેગા થયા હતા. જેને સ્વયંસેવકો દ્વારા અલગ તારવવામાં આવ્યા હતા. છેલ્લા 9 વર્ષોમાં ફૂલહારમાંથી રોટરી ક્લબ નવસારી કૃષિ યુનિવર્સિટી અને પાલિકાની મદદથી વર્મી કંપોસ્ટ ખાતર બનાવતું હતું અને તેને ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે ભેગા થયેલા ફૂલહારમાંથી નવસારી મહાનગર પાલિકા અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરશે. જેથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા સાથે રોજગારી પણ આપી શકાય. જ્યારે ભેગા થયેલા પ્લાસ્ટિક કચરાને રિસાયકલિંગ યુનિટમાં મોકલવામાં આવશે.