જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાના હસ્તે કરાયુ વિસર્જન
નવસારી : એકતાના પ્રતીક સમા ગણેશોત્સવમાં નવસારી જિલ્લા પોલીસે ટ્રાફિક ભવન ખાતે સ્થાપિત ગણેશજીને ઘર આંગણે જ મોટા તપેલામાં ભરેલ પાણીમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાના હસ્તે વિસર્જીત કર્યા હતા. પોલીસે માટીના ગણેશજીની પ્રતિમાનું ટ્રાફિક ભવન ખાતે જ વિસર્જન કરી નવસારીજનોને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
માટીની ગણેશ પ્રતિમાનું મોટા તપેલામાં કરાયું વિસર્જન
નવસારી જિલ્લામાં ભક્તોએ 10 દિવસો સુધી શ્રદ્ધાભાવથી ગણેશોત્સવ ઉજવ્યા બાદ આજે ભારી હૈયે શ્રીજીને વિદાય આપી હતી. નવસારી ટ્રાફિક ભવન ખાતે પણ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના સંદેશની થીમ ઉપર ભગવાન ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરી હતી. આજે ગણેશ વિસર્જનના સમયે ટ્રાફિક ભવન ખાતે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સાથે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની વિશેષ ઉપસ્થિતિમાં ભગવાન ગણેશજીની આરતી કરી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પરાગ ડાવરાએ ભગવાન ગણપતિની માટીની પ્રતિમાનું ઉત્થાપન કર્યુ હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર, DDO, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકે ગણેશ પ્રતિમાને પાણી ભરેલા મોટા તપેલામાં વિસર્જીત કરી હતી. માટીની પ્રતિમા તપેલામાં વિસર્જીત કરતા, માટી પીગળી ગઈ હતી.
વિસર્જિત ગણેશ પ્રતિમાની માટીથી જ કર્યુ વૃક્ષારોપણ
ગણેશ વિસર્જન બાદ ટ્રાફિક ભવન ખાતે ” એક પેડ માં કે નામ ” અભિયાન અંતર્ગત ” એક પેડ માં પાર્વતી કે નામ ” સ્લોગન સાથે ગણેશ પ્રતિમાની માટીનો ઉપયોગ કરી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ પણ એક વૃક્ષ વાવ્યું હતું. આ સાથે જ જિલ્લા કલેકટરે લોકોને પર્યાવરણ જાળવણી માટે ગણેશજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કરી, તેની માટીનો સદ્દઉપયોગ કરવામાં આવેનો સંદેશ આપ્યો હતો.
અધિકારીઓએ ટ્રાફિક નિયમોના પાલનની લીધી પ્રતિજ્ઞા
જિલ્લા ટ્રાફિક ભવન ખાતે ગણેશ વિસર્જન બાદ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે નાગરિકોને રસ્તા પર ટ્રાફિક નિયમોના પાલન અંગે અનોખી રીતે સંદેશ આપ્યો હતો. જ્યાં ભવનમાં મુકેલ સેલ્ફી પોઇન્ટ ઉપર ફોટો પડાવી, વાહન ચલાવતી વેળાએ ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લીધી હતી.