ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર રહેતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
નવસારી : નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા અતિભારે વરસાદને કારણે.નસવારીની લોકમાતાઓના જળસ્તરમાં વધારો થયો હતો. જેમાં નવસારી પાસે પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટે પહોંચતા નિચાણવાળા વિસ્તારોમાં પુરની સંભાવના જણાતાં મહાનગર પાલિકા દ્વારા ફાયર બ્રિગેડના વાહનો ફેરવી લોકોને એલર્ટ કરાયા હતા. જોકે નદીની સપાટી 22 ફૂટે જ સ્થિર રહેતા તંત્રને રાહત જણાઈ હતી.
પુરની સ્થિતિ સર્જાતા નિચાણવાળા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં હવન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ત્રણ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં આજે વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદ જણાયો હતો, જેમાં આદિવાસી પંથકના ત્રણેય તાલુકામાં પોણા બેથી સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પણ અતિભારે વરસાદને પગલે નવસારીની લોકમાતાઓ અંબિકા નદી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. ખાસ કરીને નવસારીમાં પૂર્ણા નદી બપોરના સમયે 18 ફૂટ પર પહોંચી હતી, પંરતુ થોડા કલાકોમાં જ પૂર્ણાનું જળસ્તર 22 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પુરની સંભાવના વધી હતી. જેથી મહાનગર પાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી, શહેરના ભેંસતખાડા, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, રિંગ રોડ, કાશીવાડી, મિથિલા નગરી, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરી વરસાદની તેમજ નદીની સ્થિતિનો ખ્યાલ આપી, લોકોને સતર્ક રહેવા તેમજ જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી.
પૂનમની ભરતીને કારણે નદીની સપાટી વધી, પણ ભરતી ઉતરતા સપાટી 22 ફૂટે સ્થિર
ઉપરવાસમાં અતિભારે વરસાદનું પાણી નદીમાં આવતા પૂર્ણાનું જળસ્તર વધ્યું હતું. જોકે આજે પૂનમ હોવાથી દરિયાની ભરતી બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી રહી હતી. જેના કારણે વિરાવળ પુલ નજીક પૂર્ણા બપોરે 18 ફૂટે પહોંચી હતી, ત્યારબાદ થોડા કલાકોમાં જ પૂર્ણાની સપાટી 22 ફૂટે પહોંચી હતી. જોકે દરિયાની ભરતી ઉતરતા પૂર્ણા નદીમાં પણ પાણીનો ઘટાડો થવાની શક્યતાઓ જોવાઈ રહી હતી. પરંતુ મોડી સાંજ સુધી પૂર્ણાની સપાટી 22 ફૂટે સ્થિર રહી હતી. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ મહાનગર પાલિકા તંત્રને રાહત મળી હતી.