ઉપરવાસના વરસાદને પગલે ચિંતા રહી, પણ નદીઓના જળસ્તર ઘટતા રાહત
નવસારી : નવસારીમાં છેલ્લા ત્રણ દિવસોથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત રોજ વરસેલા વરસાદમાં નવસારીના ઉપરવાસના વરસાદે નદીઓમાં જળસ્તર વધારતા ચિંતા વધી હતી. જોકે વરસાદ ધીમો પડતા મોડી સાંજે જળસ્તર ઘટતા રાહત થઈ હતી. નવસારીમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાકમાં સૌથી વધુ વાંસદામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી સહિત ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલને કારણે જિલ્લાની લોકમાતાઓમાં નવા નીરની આવક થતા જળસ્તર પણ વધ્યા હતા. જ્યારે સતત વરસાદી માહોલથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉપરવાસના વરસાદને પગલે ગત રોજ નવસારીથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી વધીને 19 ફૂટે પહોંચી હતી. જેથી શહેરના ગણેશ વિસર્જનમાં ભક્તોને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા ગત મોડી સાંજ સુધીમાં પૂર્ણાના જળસ્તરમાં ઘટાડો નોંધાતા વિસર્જનમાં ઝડપ આવી હતી.