અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર
નવસારી : નવસારી સુરત માર્ગ ઉપર આજે મળસ્કે મરોલી ચાર રાતા નજીક એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા પોલીસે તેનું પગેરૂ શોધવા તપાસ આરંભી છે.
ટ્રક અડફેટે મોતને ભેટનારા બંને યુવાનો નવસારીના જલાલપોર વિસ્તારના
મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર લીમડા ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષીય પ્રદીપ દેડાણીયા અને તેનો મિત્ર શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય જુબેર શેખ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરતના સચિન સ્થિત SMT કંપનીમાં નોકરીએ જઈ રહ્યા હતા. દરમિયાન નવસારી સુરત માર્ગ ઉપર મરોલી ચાર રસ્તાની થોડે દૂર એક ટ્રકે જુબેરની બાઈકને અડફેટે લેતા બાઈક ફસડાઈ પડી હતી અને બંને રસ્તા પર પટકાયા હતા. જેમાં જુબેરને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રદીપના શરીર પરથી ટ્રકનું પાછલું ટાયર ફરી વળતા તેનું પણ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારીઓ અને સ્થાનિકોએ મરોલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મરોલી CHC ખાતે ખસેડ્યા હતા. જ્યારે સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફરાર થયેલા ટ્રક ચાલકને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે મરોલી ચાર રસ્તા સહિત અન્ય સ્થળોના CCTV ફૂટેજ મેળવી અકસ્માત સર્જનાર ટ્રેકને ઓળખી તો કાઢી, તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.