અપરાધ

બોરિયાચ ટોલનાકા નજીકથી 14.57 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

Published

on

દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત ત્રણ વોન્ટેડ જાહેર

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર વિદેશી દારૂની હેરાફેરી રોકવા પેટ્રોલીંગમાં રહેલી નવસારી LCB પોલીસે મળેલી બાતમીને આધારે બોરિયાચ ટોલનાકા નજીક એક ટેમ્પો અટકાવી, તેમાંથી 14.57 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 20.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે દારૂની હેરાફેરી રોકવા નવસારી LCB પોલીસની ટીમ આજે નેશનલ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન HC મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને PC અર્જુનકુમાર હર્ષદકુમારને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જનાર છે. જેના આધારે પોલીસે હાઈવે ઉપર નવસારીના બોરિયાચ ટોલનાકાથી 100 મીટર દૂર ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાં 14.57 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બિયરની કુલ 3,852 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટમાં વાગરાલપાડા ખાતે રહેતા 45 વર્ષીય બલિરામ રાજારામ ભારતીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી ચાલકની પૂછપરછમાં દારૂ ભરેલ ટેમ્પો મહારાષ્ટ્રના તલાસારીના દીપકે ભરાવ્યો હતો, જેને સુનિલ યાદવના સંપર્કથી મેળવ્યો હતો. દારૂ ભરેલ ટેમ્પો સુરતના કડોદરા પહોંચી, દીપકને ફોન કર્યા બાદ કોઈ અજાણ્યો ટેમ્પો લઈ જવાનો હતો. જેથી પોલીસે સુનિલ યાદવ, દીપક અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઇલ ફોન મળી કુલ 20.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version