ઢોલુમ્બર, અંકલાંછ તેમજ રવણીયા ગામના 20 ખેડૂતો જોડાયા
નવસારી : નવસારી જિલ્લામાં બાગાયતી, શાકભાજી અને ધાન્ય પાકોની ખેતી થાય છે. જેમાં પણ વેલાવાળા શાકભાજી બહુવર્ષાયુ હોવાથી ખેડૂતોને સારી આવક રળી આપે છે, ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા ટિંડોળા અને પરવળની જાતો માટે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા ત્રણ ગામોના 20 ખેડૂતો જોડાયા હતા.
ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 અંગે માહિતી અપાઈ
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીમાં અનેક વિષયો ઉપર સતત સંશોધનો કરી, ધાન્ય, ફળ અને શાકભાજીની વિવિધ જાતો વિકસાવવામાં આવે છે. જેની સાથે સ્થળ, વાતાવરણ અને સમય પ્રમાણે કઈ જાત ટકાઉ, ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન આપશે તેના પ્રયોગો હાથ ધરી, તેના ઉત્તમ પરિણામ બાદ ખેડૂતોને પણ તાલીમ આપીને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન બાદ બહાર પાડવામાં આવેલી ગુજરાત નવસારી ટિંડોળા 1 અને ગુજરાત નવસારી પરવળ 1 જાતની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ તાલીમ શિબિરમાં જિલ્લાના ઢોલુમ્બર, અંકલાછ અને રવાણીયા એમ ત્રણ ગામોના 20 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને બહુવર્ષાયુ ટિંડોળા અને પરવળ પાકોની ઓછી જમીનમાં, રોગ જીવાત સામે પ્રતિકાર ક્ષમતા ધરાવતી, વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતો વિશેની વિસ્તૃત વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. તાલીમમાં બાગાયતી વૈજ્ઞાનિક ડૉ. દિક્ષિતા પ્રજાપતિ દ્વારા ટિંડોળાના રોપાઓનું નિર્દેશન પણ ગોઠવવામાં આવ્યુ હતું. તાલીમ દરમિયાન KVK ના વડા ડૉ. સુમિત સાળુંકે અને સહપ્રધ્યાપક ડૉ. કિંજલ શાહે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ.