નવસારી : સાસરિયાંઓની દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસથી કંટાળી નવસારીના જમાલપોરની અનાવિલ પરણીતાએ પોતાની બે દીકરીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના પ્રકરણમાં નવસારી ગ્રામ્ય પોલીસે આરોપી સાસુ અને નણંદની ધરપકડ કરી હતી.
નવસારી કોર્ટમાં હાજર કરતા બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર વિસ્તારના સિલ્વર સ્ટોન બંગ્લોઝમાં રહેતી ખેવના નાયક ગત 31 ઓગસ્ટના રોજ પોતાની બે દીકરીઓ ધીઆ અને દ્વિજાને લઈ ક્યાંક નીકળી ગઈ હતી. દરમિયાન બીજા દિવસે સવારે નવસારીના વિરાવળ નજીક પૂર્ણા નદીમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. એ જ દિવસે સાંજે જલાલપોરના સંતોષી માતા મંદિર નજીકથી પૂર્ણા નદીમાં જ અન્ય એક બાળકીનો મૃતદેહ મળતા, પોલીસ ચોકી ગઈ હતી અને બંને બાળકીઓની ઓળખ કરવા મંડી પડી હતી. પોલીસ બાળકીઓના પરિવાર સુધી પહોંચે એ પહેલા જલાલપોરના કરાડી ગામ ખાતે પૂર્ણા નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનો કબ્જો લઈ તપાસ કરતા મૃતક મહિલા ખેવના નાયક હોવાનું ખુલતા, ખેવના બે દીકરીઓ સાથે ઘરેથી ગઈ હોવાની માહિતી મળી હતી. જેથી 1 લી સપ્ટેમ્બરના રોજ મળેલ બંને બાળકીઓના મૃતદેહ ખેવનાની બે દીકરી ધીઆ અને દ્વિજાના જ હોવાનુંમાની પોલીસે સામૂહિક આપઘાત અંગે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી હતી.
દીકરીને દહેજ માટે ત્રાસ આપતા હોવાની માતાએ નોંધાવી હતી ફરિયાદ
સમગ્ર ઘટના ક્રમમાં ખેવનાની માતાએ જણાવ્યુ હતુ કે, સોશ્યલ મીડિયામાં પાંગરેલા પ્રેમ બાદ હાર્દિક સાથે ખેવનાએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા દિવસ બાદ હાર્દિક ખેવનાને એકલામાં ફોન પણ કરવા દેતો ન હતો. જ્યારે પણ ફોન કરે ત્યારે ફોન સ્પીકર ઉપર રખાવતો, જેથી ખેવના પોતાની વાત કરી શકતી ન હતી. સાથે જ માં દીકરીની કાન ભંમેરણીથી ખેવના સાથે મારઝૂડ પણ કરતો હતો. પિયરની જમીન વેચવા માટે પણ ખેવનાના સાસરિયાઓ દબાણ કરતા હતા. જેથી સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ખેવનાએ મજબૂરીમાં પોતાની બે માસુમ દીકરીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવી મોત વહાલુ કર્યુ હોવાના આક્ષેપો કર્યા હતા.
માતાની ફરિયાદ બાદ મૃતકના પતિ, સાસુ અને નણંદની પોલીસે કરી ધરપકડ
નવસારીની અનાવિલ પરણીતા ખેવના નાયકે પોતાની બે દીકરીઓ સાથે કરેલા આપઘાત પ્રકરણમાં માતાની ફરિયાદ બાદ નવસારી ગ્રામ્ય પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે ગત 4 સપ્ટેમ્બરના રોજ આરોપી પતિ હાર્દિક નાયકની ધરપકડ કરી, તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યારે સાસુ માયા નાયક અને નણંદ તન્વી દેસાઈ સામે પોલીસે પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા. જેમાં ખેવનાની પિયરની જમીન વેચી તેના થકી દહેજની માંગણી સાથે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની વાત સામે આવતા ગ્રામ્ય પોલીસે સાસુ માયા નાયક અને નણંદ તન્વી દેસાઈની પણ ધરપકડ કરી હતી. બંને માં દીકરીને પોલીસે નવસારી કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.