રીઢા ચોરો સામે અગાઉ 4 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે
નવસારી : નેશનલ હાઈવે ઉપર પાર્ક કરેલા વાહનોમાંથી મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનારા સુરતના બે ચોરટાઓને નવસારી LCB પોલીસે નવસારીના વેસ્મા પાસેથી ઝડપી પાડ્યા હતા. બંને રીઢા ચોર સામે અગાઉ કુલ 4 ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા.
આરોપીઓ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનોને બનાવતા ટાર્ગેટ
મળતી માહિતી અનુસાર, નવસારીના નેશનલ હાઈવે કે જિલ્લાના અન્ય રસ્તાઓની બાજુમાં પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી તેમાંથી મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓની ચોરી થયાની ઉઠેલી ફરિયાદોને ધ્યાને લઈ સતર્ક થયેલી નવસારી LCB પોલીસે બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરવા સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને HC લાલુસિંહ ભરતસિંહ તેમજ HC વિપુલ નાનુભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નં. 48 પર અમદાવાદ જતા ટ્રેક ઉપર વેસ્મા ગામ પાસે હોટલ સબા નજીક વાહનોમાંથી વસ્તુઓની ચોરી કરનારા બે શકમંદો ફરી રહ્યા છે. જેને આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે છાપો મારી શકમંદ બંનેને પકડી પૂછપરછ કરતા, તેમની ઓળખ સુરતના સંગ્રામપુરાની તલાવડી ઝૂંપડપટ્ટીમાં રહેતો 45 વર્ષીય હબીબ હનીફ શાહ તેમજ સુરતના અમરોલીના કોસાડ આવાસમાં રહેતો 50 વર્ષીય રફીક નવાબ શાહ આપી હતી. જ્યારે પોલીસે કડકાઈ દર્શાવતા બંનેએ વાહનોમાં ચોરી કર્યાની કબુલાત કરતા હબીબ અને રફિકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ સુરત અને વલસાડ પોલીસમાં કુલ 4 ગુનાઓ નોંધાયા હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ઘટના સ્થળેથી એક બાઈક, ત્રણ મોબાઈલ ફોન અને 100 રૂપિયા રોકડા મળી કુલ 80,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે.