નવસારી : નવસારીના વિજલપોર વિસ્તારની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ, તેની સાથે દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપીને વિજલપોર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાજીપુરા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સગીરાની સાથે પ્રથમ સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી
મળતી માહિતી અનુસાર, નાની બાળાઓને યેનકેન પ્રકારે લાલચ આપી, નરાધમો તેમની સાથે બદકામ કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આવી જ એક ઘટનાં નવસારીના વિજલપોરમાં સામે આવી છે. જ્યાં 10 માં ધોરણની 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે પરપ્રાંતીય અને વિજલપોરના રામનગરમાં રહેતા 20 વર્ષીય અજય નિષાદે 6 મહિના પૂર્વે વિજલપોર વિસ્તારમાં કોઈ કાર્યક્રમમાં ગરબા દરમિયાન મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેની સાથે વાત કરવાની તકો મેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ અજય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાને એક દિવસ અજયે પોતાના રૂમ ઉપર રાખી હતી ત્યારબાદ તેને 11 સપ્ટેમ્બર ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ગામે પોતાના સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને આ બે દિવસો દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતું. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી, પરંતુ સગીરા ન મળતા અંતે પરિવારે વિજલપોર પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સગીરાને શોધખોળ શરૂ થઈ હોવાનું જાણતા જ આરોપી અજય નિષાદ તેને ગત 12 સપ્ટેમ્બરે બપોરના સમયે ફરી વિજલપોર મુકી ગયો હતો. ફરિયાદ મળતા જ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે અજયના વિસ્તારમાં પૂછપરછ કરવા સાથે તેના મોબાઈલ ફોનને ટ્રેકિંગ ઉપર લગાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી અજય બાજીપુરા હોવાનું જણાતા જ પોલીસે તેને બાજીપુરાથી દબોચી, તેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.