અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version