નવસારી ગણદેવી માર્ગ ઉપર અઢી કિમી વિસ્તારમાં થશે પેચવર્ક
નવસારી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રસ્તાઓની બિસ્માર હાલત અંગેના સખત રોષ બાદ, વરસાદ રહેતા જ નવસારી માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે અને નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગ સહિત જિલ્લાના 5 મુખ્ય રસ્તાઓના ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ખખડધજ રોડ મુદ્દે વ્યક્ત કરેલા રોષ બાદ માર્ગ મકાન વિભાગ એક્શનમાં
નવસારીમાં વરસાદે વિરામ લેતા જ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગો ઉપર પડેલા ખાડાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું છે. જેમાં નવસારી ગણદેવીની જોડતા 18.6 કિમી લાંબા માર્ગ ઉપર અલગ અલગ જગ્યાઓએ પડેલા ખાડાઓ મળી લગભગ અઢી કિમી જેટલો માર્ગ ખરાબ થયો છે. ત્યારે આજે માર્ગ અને મકાન વિભાગે રાજ્ય ધોરીમાર્ગનું સમારકામ હાથ ધર્યુ છે. સોમવારથી શરૂ કરેલી કામગીરીમાં પાછોતરો વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો, પરંતુ આજે ઉઘાડ પડતા જ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મનીષ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયકના માર્ગદર્શનમાં અન્ય અધિકારીઓએ રસ્તા ઉપર પેચવર્ક કામગીરીને વેગ આપ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય 5 મુખ્ય રાજ્ય ધોરીમાર્ગોનું પણ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ખરાબ રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સીધા આદેશ બાદ આ ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી લાંબા સમયથી હેરાન થતા રાહદારીઓને સરળતા રહેશે.