નવસારી : અધર્મ પર ધર્મની વિજયના પ્રતીક રૂપ વિજયાદશમીના પાવન પર્વ પર નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં, નવસારીના ઈતિહાસમાં પ્રથમવાર ભગવાન રામે તીર ચલાવી મહાકાય દશાનનનું દહન કર્યુ હતું.
રાવણ દહન પૂર્વે ભવ્ય આતશબાજી પણ યોજાઈ
નવસારી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક નવા નવા આયોજનો કરી રહી છે. જેમાં.નવસારી શહેરના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. દિલ્હીથી 35 ફૂટ ઉંચો રંગબેરંગી તૈયાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના 30 ફૂટ ઉંચા પૂતળા મંગાવવામાં આવ્યા હતા. રાવણ સાથે અન્ય બેનપૂતળાને નવસારીમાં ઇન્સ્ટોલેશન કરી, તેમાં અંદાજે 5 લાખ રૂપિયાના ફટાકડા અને આતશબાજી મૂકવામાં આવી હતી. લુન્સીકુઈ મેદાનમાં આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ કમિશ્નર દેવ ચૌધરી સહિત શહેરના પદાધિકારીઓ, આગેવાનો અને મહા પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દુરાગ્રહ, અહંકાર અને દુષ્ટતાના પ્રતીક સમા 35 ફૂટ ઉંચા રાવણ, આળસ અને અજ્ઞાનના પ્રતીક સમા કુંભકર્ણ અને અહંકાર સાથે આસુરી શક્તિના પ્રતીક સમા મેઘનાદ (ઇન્દ્રજીત) ના પૂતળાને ભગવાન શ્રી રામના રૂપમાં આવેલ યુવાને ધર્મ અને જ્ઞાન રૂપી તીર ચલાવી લંકેશ સાથે તેના પુત્ર અને ભાઈનું દહન કર્યુ હતું. રાવણ દહનના કાર્યક્રમમાં નવસારીના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરમાં પ્રથમવાર યોજાયેલા રાવણ દહન કાર્યક્રમને લઈ, શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.