નવસારી : નવસારીમાં આજે ગાંધી જયંતી નિમિત્તે શહેરમાં નવ દિવસો સુધી ગરબાની રમઝટ બોલાવનારા રમઝટ ગ્રુપ દ્વારા મમતા મંદિરના મૂક બધિર અને દિવ્યાંગ બાળકો માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દિવ્યાંગ બાળકોએ હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા હતા.
AC ડોમમાં બાળકો ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ગરબે ઘૂમ્યા
નવસારીમાં નવા દિવસો સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે આજે દશેરા સાથે જ ગાંધીજયંતીના ઉજવણી થઈ રહી છે, ત્યારે નવસારીના રમઝટ ગ્રુપ દ્વારા ગાંધી વિચારો સાથે શરૂ થયેલી મમતા મંદિર મૂક બધિર અને દિવ્યાંગ બાળકો, નવસારી, ધરમપુર અને વલસાડની આદિવાસી કન્યા છાત્રાલયની બાળાઓ અને પારસી અનાથાલયના અનાથ બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન કર્યું હતું. દિવ્યાંગ બાળકોએ ગરબાના તાલે ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા. મૂક બધિર બાળકોએ પણ સંગીત સંભળાય નહીં, પણ અન્યોની સાથે તાલથી તાલ મિલાવી મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. દિવ્યાંગ બાળકોને ગરબે રમાડી આયોજકોએ નોરતામાં જે મજા આવી એના કરતાં વધુ ખુશી થઈ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગરબા બાદ બાળકોને નાસ્તો કરાવી જાણે નોરતાના પારણા કર્યા હોય એમ આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.