તાલીમ થકી યુવાનોને કૌશલ્ય આધારિત લઘુ ઉદ્યોગોને સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
નવસારી : અવાનારા સમયમાં શિક્ષણ સાથે કૌશલ્ય હોવું જરૂરી બનશે, ત્યારે નવસારી જિલ્લાની ગ્રામ્ય કિશોરીઓ ગૃહ ઉદ્યોગ થકી પોતાના જીવનસ્તરને સુધારી શકે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગ્રામીણ કિશોરીઓને દિવાળીમાં ઉપયોગમાં લેવાતા ડેકોરેટિવ દિવડા અને મીણબત્તીની તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લાના અલગ અલગ ગામડાઓની 20 કિશોરીઓએ લીધી તાલીમ
ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી કરવા અને યુવાનોને આંતરિક કૌશલ્ય થકી આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. જેમાં કૌશલ્ય વર્ધન આધારિત લઘુ ઉદ્યોગોને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી દિવાળીનાં તહેવારોને ધ્યાને રાખી ગ્રામીણ કિશોરીઓ માટે બે દિવસીય ” ડેકોરેટીવ દિવડા અને મીણબતી ” બનાવટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના અલગ અલગ ગામડાઓની 20 કિશોરીઓએ ભાગ લઈ દિવડા શણગારવા સાથે જ વિભિન્ન રંગ અને પ્રકારની મીણબત્તી બનાવવાની તાલીમ મેળવી હતી.
તાલીમનો હેતુ કિશોરીઓને પગભર બનાવવાનો – સુમિત સાળુંકે
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સુમિત સાળુંકેએ જણાવ્યુ હતું કે, ગ્રામીણ કિશોરીઓ આ તાલીમ મેળવ્યા બાદ જાતે નાના પાયે ઘરગથ્થુ પ્રવૃતિ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. તાલીમમાં ગૃહ વિજ્ઞાનનાં વૈજ્ઞાનિક નિતલ પટેલે બનાવટોનાં બજાર વ્યવસ્થાપન વિશે સમજ આપી હતી. જ્યારે તેમજ મછાડ ગામના ફાલ્ગુનીબેને કિશોરીઓને દિવડા શણગાર અને મીણબત્તી બનાવતા શીખવ્યું હતુ.