જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનો માટે કરાયું ગરબાનું વિશેષ આયોજન
નવસારી : નવ દિવસો સુધી નવરાત્રમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.
પોલીસ અધિકારીઓ, જવાનો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા
નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મોહલ્લામાં ગરબાના આયોજન થયા હતા. નવરાત્રીમાં લોકો માતાજીની ભક્તિમાં મગ્ન બને છે અને નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છિય ઘટના ન બને, એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવરાત્રના નવ દિવસો દરમિયાન પોલીસકર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો પણ તેમના વિના ગરબા રમવામાં મૂંઝાતા હોય છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0 માં જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો આજે ગરબાના સૂરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.